Monday, August 28, 2006

સર્વે તપસ્વીઓના તપની અનુમોદના

સર્વે તપસ્વીઓના તપની અનુમોદના
કેટલી ઉત્તમ કરી આરાધના.
આપની કરશું અમે અનુમોદના ..

તપ મહીં છે શક્તિ જાણે છે બધા,
તોય ક્યાં , કરતા બધા ઊપાશના...

હર ઘડી, દર્શન તને એ આપશે,
ભાવથી ભાવો તમે જો ભાવના...

જીતશે; જ્યારે બધું તું હારશે!
ના હો મન માં એ પછી કો' કામનાં !...

જૈન ધર્મ ,મળતો રહે યુગ યુગ હવે !
પ્રાર્થી એ,બસ આજે એવી પ્રાર્થના...

એટલે તો જડ થયો, 'ચેતન' અહીં,
એણે ચાહ્યું એ; કે છે જેની મના.....]


ચેતન ફ્રેમવાલા
૨૯.૮.૨૦૦૬...

Tuesday, August 22, 2006

આજ ની જરૂરત છે નવસર્જન ની... એક ગઝલ ....

લાક્ડાનાં વ્હેરમાંથી, કો' નવું સર્જન કરો.
ઝેર જેવા ઝેર માંથી, કો' નવું સર્જન કરો....

ઊગતા ને ડૂબતા આ, સૂર્યની માફક તમે;
તૂટતી સૌ લ્હેરમાંથી, કો' નવું સર્જન કરો....
આંસુઓને ખાળવા માટે ઘણા યત્નો કર્યા.
આંસુઓની સેરમાંથી ,કો' નવું સર્જન કરો....

પ્રેમ ને ચેતન વગર છે લાશ જેવી જીંદગી !
લાશના આ ઢેરમાંથી, કો' નવું સર્જન કરો....

આપનાં કિમતી અભિપ્રાય આપશો...
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા...

Saturday, August 19, 2006

બહુ મુશ્કિલ છે 'ઘાયલ

Friday, August 18, 2006

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ્ આંખડીમાં ખુમાર
આવી પહોંચી સવારી ઘાયલની
બાઅદબ બામુલાયઝા, હોશિયાર..........
**************************
તને પીતાં નથી આવડ્તો મૂર્ખ મન મારા
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી ?
************************
અરે! કાળ શું મારશે અમને થપ્પડ
ચડી જો ગયો એ અમારે ઝપાટે,
અમે કાળનું ફેરવી મુખ દઈશું
અમારા જીવારાની વજ્જર થપાટે..
.**********************
નીરખવી ઘટે ઠીબને પંખીની નજરથી
નાચીઝ સંબંધોય નથી હોતા નકામા...
**********************
સાંજનાં પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું.
બીજું તો શું બહારથી લાવું?
ઊંચકી હું મને જ લાવું છું.
******************
પાપણનો ભાર એમનો જાતો નથી સહ્યો,
એ દોસ્ત, સ્વપ્નની હવે લઈ જાઉં લાશ ક્યાં?
**********************
કલબલ કર્યા કરે છે કાબર અભાવની,
જાણે ફૂટી છે એમને વાચા નવાઈની.
**********************
સળગી રહ્યું છે આંખની સામે જ ઘર અને
બેઠો છું ઠૂંઠવાઈ હું ઘટનાના ઘાસમાં.
***********************
પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો,
ઘૂંઘટ ખસી ગયો તો અરીસો નમી ગયો.
************************
દોર ચાલે છે મિષ્ટ શરબતના
રંગબેરંગી જામ ખખડે છે,
એક તરફ રોટલો લઈ સૂકો
ચીંથરેહાલ લાશ રખડે છે..
******************
એવી જ છે ઇચ્છા તો મેં ઘૂંટ ભર્યો લે
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો લે
મરવાની અણી પર છું છતાં જીવી રહ્યો છું,
સંદેહ તને હોય તો આ પડખો ફર્યો લે..
*******************
બહુ મુશ્કિલ છે 'ઘાયલ માંથી
અમૃતલાલ થઈ જાવું.....

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Sunday, August 13, 2006

સુરત ૮/૮/૨૦૦૬

૭/૨૬ નાં જે આફત મુંબઈ પર હતી ,
આજે સુરત માં એવાજ હાલ છે,
આ બધી માનવ સર્જિત આફતો છે,
આપણે કુદરત ને બાંધી ;
પણ કુદરત બાંધી બંધાતી નથી
એ આપણે ભૂલી ગયાં,
ને એના દરદ બધા ને સહેવા પડે છે.

પાણી માટે, પાણીમાં, તરસે હવે.
બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
આપણે બાંધ્યા'તા જળ-છૂટા થયા,
વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Monday, August 07, 2006

એક ગઝલ
શાંત આ પાણી મહીં, એકાદ કંકર નાખજે,
ને વલય નાં મધ્યમાંથી, માર્ગ કોઈ કાઢજે..

જગ નથી તારૂં છતાં,કાં તું સદા એને ચહે?
ભીતરે જો શોધશે,તો બ્રમ્હ આખું પામશે...

જીંદગી પાછળ પડે છે, એય સમજાતું નથી?
જીંદગી તો આખરે, તૂટે છે કાચે માટલે !....

જો તને ફરવું હો પાછું, કોઈ ના રસ્તો જડે!
બંધ આંખે, ભાવથી ભગવાન ને તું પ્રાથજે...

તું ઘણું પામ્યો છે ચેતન ; ગત કરમનાં યોગથી,
ભાથું ભરજે તું ફરીથી, અબળાને ટેકો આપજે....

આપનાં કિમતી અભિપ્રાય જરૂર આપશો...
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા