Saturday, June 16, 2007

25 વર્ષે શાળાની યાદો…

શાળા છોડ્યા ના(૧૯૮૨થી) 25 વર્ષ બાદ 145 માંથી 67 મિત્રોને ભેગા કરી, સહકુટુંબ મળવાનો લ્હાવો ૧૦મી જૂન ૨૦૦૭ ના મળ્યો.
એ પ્રસંગે લખાયેલી ગઝલ.


શાળા છોડી, પણ ભુલ્યા ક્યાં.
યાદો થોડી, પણ ભુલ્યા ક્યાં.

છો ગણિત-ભાષા માં, કાચા,
ચીઠ્ઠી-કૉપી, પણ ભુલ્યા ક્યાં.

બેંચ ઊપર ઊભા કરતાં,
ડસ્ટર-સોટી, પણ ભુલ્યા ક્યાં.

રાજ-પિપળા ,નાવ્હા ગ્યા’તાં,
કાચી રોટી, પણ ભુલ્યા ક્યાં.

દિલમાં ઊગ્યાં પ્રેમ-પુષ્પો,
મ્હેક નો’તી,પણ ભુલ્યા ક્યાં.

કાને કાને વાતો થાતી,
સાચી-ખોટી,પણ ભુલ્યા ક્યાં.

આ છે મારો ! પેલી મારી!
અમથી જોડી,પણ ભુલ્યા ક્યાં.

ચાલો ચેતન, નાના થઇએ,
આંખો રોતી, પણ ભુલ્યા ક્યાં…….

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Monday, June 04, 2007

પર્યાવરણ દિન નિમિત્તે એક ગઝલ.

પ્રદૂષણ..

બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે,
રે, અહીં ઝેરી હવાઓ વાય છે.

સીઓટૂ, સી.એફ.સી. ને સલ્ફરો,
હર તરફ વાયુ પ્રદૂષણ થાય છે.

જળ મહીં મરતા હવે તો જળચરો!
કાં રસાયણ સાગરે ઠલવાય છે.

કોક દી', ગંગાનું જળ અમરત હતું!
બસ હવે તો માંદગી ફેલાય છે.

ધરતી-જળ દૂષિત ,કરે દૂષિત હવા,
રે, ઘડો તુજ પાપનો છલકાય છે.

ના ફિકર પર્યાવરણની આપને!
કેટલી લાગે, જો તમને હાય છે.

નિત વધે ઓઝોનનું બાકોરું,જો
કેટલા વર્ષો હવે જીવાય છે.

આંધળું છે દૂષણોનું આક્રમણ.
સંસ્કારો ક્યાં કશે દેખાય છે.

બસ જરી ઠંડક મળે ચેતન તને,
ભોગ આખી અવનીનાં લેવાય છે.

હંમેશ મુજબ આપનાં કીમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા.