Wednesday, January 17, 2007

૫૦ દીક્ષાર્થીઓનાં વરઘોડો નાં દર્શન કરતાં રચાયેલ ગઝલ

હું હવે મુજને કદી મળતો નથી.
શોધતાં યે હું હવે જડતો નથી !

ખુદને જોતાં તો હવે લાગે મને
મારા દિલમાં ઈશ કાં વસતો નથી?

કાચની થોડી લખોટી હો, તો બસ
નવલખા હીરામાં, હું ભમતો નથી.

બસ પરમને પામવું મુજને હવે.
મોહ કે માયા થકી ડગતો નથી.

આંખ હું બીડું ને બસ, પામું તને
તેથી તો ચેતન હવે ખપતો નથી.

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય અમૂલ્ય છે...

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Monday, January 08, 2007

યાદ ની ફરીયાદ......

મારગે મારગ નડ્યા, હું શું કહું
યાદોનાં સ્મારક પડ્યા, હું શું કહું..

હું હજી જીવી શકું તારા વિના !
શ્રાપ આ કોનાં ફ્ળ્યા? હું શું કહું !

ચાંદનીનાં ઘા હજી તાજાં હતાં,
ને ફરી તારા ખર્યાં હું શું કહું.

પ્રેમ સાગરને ઊલેચો ના હવે
ઝેર સૌ મુજને મળ્યા, હું શું કહું

જીંદગી ભર એ ભલે ડૂબી રહ્યાં
જડ થઈ, ચેતન તર્યાં હું શું કહું

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય અનિવાર્ય છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા