Thursday, May 17, 2007

થોડા દોહા...

પૈસા પૈસા સહુ ચાહે,
પણ એ છે હાથનો મેલ,
સઘળું અહીં રહી જશે,
પૂરો થાશે જીવન ખેલ.


ઢાઈ અક્ષર પ્રેમનાં,
પઢી પઢી પછતાય,
જો લક્ષ્મી ગાંઠ ના રહે,
તો ગૃહલક્ષ્મી પણ જાય.


એક પેટે દાણો નહીં,
દૂજે ભર્યા ભંડાર!
કાહે ઐસી વિસંગતી,
ચેતન કર તું વિચાર.

ખુલ્લી આંખે ના દિસે કશું,
ને બંધ આંખે બ્રમ્હાંડ!
ભીતર ભીતર શોધીયે,
પલમાં પામીએ જ્ઞાન..

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
એક મોહનના દાસ હતાં ગાંધીજી,
ને છે મીસીસ ગાંધીનાં દાસ મનમોહન!
સાઠ વર્ષમાં ગાંધી જો ને કેવું થયું છે અવમુલ્યન..

એક ખાદીને તાંતણે સ્વદેશી ,સ્વાવલંબન લાવ્યા'તા,
સત્યાગ્રહ થી સ્વત્રંતતા લાવવામાં ફાવ્યા'તા.
ને ગાંધીજીનાં નામ પર દેશ હવે વેંચાય છે,
હુંડિયામણની લાલચમાં, અબોલ જીવો હણાય છે.
ગાંધીજીની બકરીનાં, કોઈ ના સાંભળે આક્રંદ......

દૂધ - દહીંની નદીઓ, અહીં કદી તો વહેતી'તી,
દેશ દાઝ સૌ હૈયામાં સૌથી શિરમોર રહેતી'તી.
ને હવે તો પોતાના સ્વાર્થ માટે જીવાય છે.
છાશ લસ્સી છોડીને, કૉક પેપ્સી પીવાય છે.
ને ફરીથી થઈ રહ્યું, છે પરદેશી આક્રમણ....

આખે-આખી પેઢી આજે માતૃભાષાથી વંચીત છે.
પાશ્ચાતના કઈંક હજારો દુર્ગુણોથી સંચીત છે.
બરફનાં ગોળાઓમાં સૂરા અહીં સૌ ચાખે છે,
ગાંધીજીનાં મૂલ્યો સગળા, ડીપ-ફ્રીઝમાં રાખે છે.
ચેતન ચાલો શરૂ કરીએ દેશ-બચાઓ આંદોલન......

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Tuesday, May 08, 2007

ઝાંઝવા છેતરે?

ઝાંઝવા શું છેતરે?
તું સદા ખુદને છળે!

દોષના પાષાણનો,
ઠેસ કર્મોની નડે.

કંટકો વાવ્યા સદા,
ફૂલ શે તુજને મળે?

શીલામાં હું કેદ છું,
રામ કો મુજને અડે.

માટીમાં માટી થશે,
કાં અહમ્ નાં ગઢ ચણે.

રમતું કો' સોના મહીં,
કોક ભુખ્યું ટળવળે.

જે ગયું ક્યાં તુજ હતું,
શીદને ચેતન રડે.

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા