Wednesday, April 01, 2009

જળ તને છે કૈં ખબર ?

પાપના પરપોટા ફૂટ્યા, જળ તને છે કૈં ખબર ?
ગંગાના પાણી રે ખૂટ્યા, જળ તને છે કૈં ખબર ?

નીલ થૈ ગ્યાં કંઠ એના, શાથી જળ તું જાણે છે?
આપી અમરત ઝેર ચૂંટ્યા, જળ તને છે કૈં ખબર ?

લંકા જાવા સેતુ થૈ પાષાણ કેવા તરતા'તાં
રામ નામે સૌને પૂજ્યા, જળ તને છે કૈં ખબર ?

યમુના કાંઠે લૈ દડો રમવાને થોડા ગ્યા'તા એ!
કાળિયા ના મદ્ રે તૂટ્યાં , જળ તને છે કૈં ખબર ?

કાશી કાબા ગ્યો'તો ચેતન, ક્યાંયે ઈશ્વર ના મળ્યા.
અબળાના બસ આંસુ લૂછ્યા,જળ તને છે કૈં ખબર ?

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

Thursday, March 12, 2009

મંદી

શક્તિ આપો મંદી કેરા ઘાવ સૌ ઝેલવાને.
લક્ષ્મી આપો તેજી માટે દાવ બે ખેલવાને!
હાર્યો ચેતન બમણું રમતો, બાજી હારી ફરીથી,
બુદ્ધિ આપો મુજને આજે, લાલચો મેલવાને !

**************
આ મંદી મારી નાખે છે,
ભૈ બોજ ભારી નાખે છે.
કે માંડ નવડાં મળતા'તા,
એ મીંડા કાઢી નાખે છે.

હંમેશ મુજબ અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Saturday, August 30, 2008

જે ગયું એતો ગયું...

જે ગયું એ તો ગયું, જે છે તું એનું ધ્યાન કર.
નીકળે છે જે વચન કડવા,એ સૌ ને મ્યાન કર

આ બધું તારૂં છે એવું શાને તુજને લાગતું,
માટીનો તું માટી થાશે,માટીમાં તુજ ધામ કર

આંબતા તું આંબતો આ આભને અવકાશ પણ,
બસ વસે તુજ દિલમાં ઈશ્વર એવું કોઈ કામ કર.

રાત'દિ પાગલ થતો તું લક્ષ્મી કેરા મોહમાં!
કોકદી' એકાદ કો અબળાને થોડું દાન કર.

સૌ શહિદો ઝુલ્યાં ફાંસી, એથી તું આઝાદ છે.
એક એવા વીર પર તું સો જનમ કુરબાન કર.

તું છે કોનો કોણ તારું એટલું બસ જાણી લે.
થાય તું તારો જો જ્યારે, ત્યારે તારૂં નામ કર.

એક પત્થર તોડશે સૌ ખ્વાબ જે જ્યાં હતા
માટલી કાચી રે તારી,શાને તું અભિમાન કર.

ક્રોધને મદ-મોહમાં,જીવી રહ્યો તું જિંદગી,
ભીતરે હેવાન છે એને તું બસ ઈંસાન કર.

ગત જનમનાં પૂણ્યથી તો આ જનમ ચેતન મળ્યો!
પૂણ્ય ભાથું ભર ફરીથી, આ જનમનું માન કર.

હંમેશ મુજબ આપના કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

Saturday, April 19, 2008

કરપ્ટ જીવન .....

લાંચ તો લેતાં હશો, સાચ્ચું કહો !
ને દગો દેતાં હશો, સાચ્ચું કહો!

દેશને નુકશાન હો, તો મુજને શું?
આવું પણ કે'તાં હશો, સાચ્ચું કહો !

આંખ સામે છો નગર બળતું રહ્યું.
આપ તો, છેટાં હશો સાચ્ચું કહો !

લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે'તાં હશો સાચ્ચું કહો.

વીર સૈનિક ની શહીદી વેંચતાં,
પાપીઓ ; નેતા હશો, સાચ્ચું કહો,

છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

આપનાં અભિપ્રાય અણમોલ છે......

જય ગુર્જરી,

Friday, March 21, 2008

આપ સૌ ને હોળીની વધાઈ....

ચાલો આજે હોળી રમશું.
દ્વેષ સગળાં છોડી, રમશું.

મહિના વિત્યાં,બોલ્યા પણ ના!
સૌ અબોલા તોડી, રમશું...

શ્વેત - ચોખ્ખું દિલનું પાનું,
પ્રેમ રંગો, બોળી, રમશું.

આંખે-આંખે વાતો થાતી,
ચિતડું કોઈ ચોરી, રમશું.

છો સદા એ લીલા કરતો,
ગોપી તો સૌ ભોળી; રમશું.

રંગ ભગવો,લાગ્યો ભીતર!
માંહે ચેતન ખોળી, રમશું..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

Monday, March 17, 2008

બે મુક્તક

છો સ્પંજ કેરું બેડ છે તોય પણ,
લેવી પડે છે ઊંઘ ની ગોળી મને.
ને ફૂટપાથી પત્થરોની સેજ પર,
જો કેટલો આરામથી ચેતન સુવે.

માર્ચ-વેરો

આ મંદી મારી નાખે છે,
ભૈ બોજ ભારી નાખે છે.
કે માંડ નવડા મળતા'તા,
એ મીંડા કાઢી નાખે છે.

હંમેશ મુજબ આપનાં કિમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Tuesday, December 04, 2007

જેવો છું એવો સ્વીકારો......

હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!
સાચ્ચો,કડવો,તીખો છું,મુજને માણોને.

આખે આખો સારો છું એવું ક્યાં કહેતો?
થોડા-ઝાઝા દોષો સાથે અપનાવો ને!

શીશા જેવું ચોખ્ખું દિલ લઇને આવ્યો છું,
મુજ દિલમાં ડૂબી જાઓ,મુજને તારો ને!

ચાહતની સોગાદો આપે પરને વાંટી,
થોડી બસ થોડી ચાહત મુજને ફાળો ને!

શંકાની નજરે શાને મુજને જૂઓ છો,
શંકાથી પર કો'દી મુજને આણો ને!

જડ થઇ ગ્યો છું,ભૌતિકતાના દાવાનળમાં,
જડ હૈયામાં ચેતન જેવું સંચારો ને!

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો .

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા