Wednesday, April 25, 2007

જોબન ટહુકે રે !

સોળમા આ સાલે જોબન ટહુકે રે !
જો ગુલાબી ગાલે જોબન ટહુકે રે !

આંખમાં છે સોણલા સો છુપાયા,
પાપણોની ઢાળે જોબન ટહુકે રે !

કેટલી અચરજ હશે એના હૈયે?
ઊર્મિના ઊછાળે જોબન ટહુકે રે !

રંગબે રંગી છે એના ઑરતા.
ફાગણીયા ફાલે જોબન ટહુકે રે !

લપસણી છે વાટ એને શૅ ટાળું?
દોડતી આ ચાલે જોબન ટહુકે રે !

કે સતત પડઘા પડે છે શા ચેતન?
કો અજાણ્યા તાલે જોબન ટહુકે રે !

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Sunday, April 22, 2007

ખુદકે -ખુદાને હું ક્યાં ઓળખું છું?

અજાણ્યા જહાં ને હું ક્યાં ઓળખું છું?
આ રણની સુધાને હું ક્યાં ઓળખું છું?

વખાણે જો કોઈ હું છાતી ફુલાવું,
અહમ્ ,બુદ-બુદાને હું ક્યાં ઓળખું છું?

ભરું છું સદાયે હું મારા જ ખીસ્સા.
ગરીબની દશાને હું ક્યાં ઓળખું છું?

જફા બસ એ કરતાં છતાં પ્રેમ આપું,
કે દિલનાં ગુનાને હું ક્યાં ઓળખું છું?

હું જડ છું કે ચેતન મને ક્યાં ખબર છે!
હું ખુદ કે ખુદાને હું ક્યાં ઓળખું છું?

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Saturday, April 21, 2007

રાખશો રામને ઈંટ-પત્થર મહીં ?

રાખશો શું રામ ને આ ઈંટને પત્થર મહીં?
શું નથી જગ્યા જરાયે ,આપનાં અંતર મહીં?

કે સતત તુજ મુખ મહીં તો રામ કેરું નામ છે.
ને રહે છે કાં, છરી હંમેશ તારા કર મહીં?

છોડવાની કર તું કોશિશ , તો તરત છૂટી જશે,
જીવતો છો જીંદગી માયા તણાં સો થર મહીં.

ને જરા માં પામશે તું મોક્ષ કેરા મારગો,
વાપરે જો જીંદગી, સેવા તણાં મંતર મહીં!

છો સફર લાંબી ભલે પગલું ભરો એકાદ તો!
આપ ના પામો કશું બેસી રહો જો ઘર મહીં.

ધુપશળી જ્યારે બળે ત્યારે સુગંધો વ્યાપતી,
શેરડી પીલાઈ તો, મીઠાશ છે સાકર મહીં.

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Wednesday, April 11, 2007

હાઈકુ..

પ્રેમ વરસે
કોયલ ટહુંકામાં
વસંત બેઠું.


ફૂલે ફૂલે, છો
જોબન ટહુંકે છે.
ભમરો પ્યાસો !


યાદો સૌ તારી,
મુજ દિલ માં બેઠી.
નેણ વરસ્યા !


હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Tuesday, April 03, 2007

ચાંદની.

કેટલી મદહોશ લાગે ચાંદની,
પ્રેમનો આગોશ લાગે ચાંદની.

દાગ આ કાળા તને ક્યાંથી થયા?
બેવફાનો દોષ લાગે;.......ચાંદની !

હો જખમ તો તું તરત મરહમ થતી,
મુજને તો, પાડોશ લાગે ચાંદની.

હું સફરમાં કોક દી' થાકી જતો,
તું નવો કો' જોશ લાગે ચાંદની.

કો' અષાઢી સાંજે તું દીશે નહીં,
તારો મુજને સોસ લાગે ચાંદની.

સીરમીટી જંગલે હું રીબતો!
લીલા પાને ઓશ લાગે ચાંદની..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા