Monday, October 30, 2006

દિવાળી અને ઈદ ની હાર્દિક શુભકામના.

સૌ મિત્રોને, દિવાળી અને ઈદ ની હાર્દિક શુભકામના.
મધ્યમ વર્ગને બીજાની દેખા-દેખીમાં ઘસડાતો જોઈ એક ગઝલ જન્મી,
તે પ્રસ્તુત છે.

લાલ રાખી ગાલ બસ ,ઉજવો દિવાળી,
જીંદગી છો જસની તસ , ઉજવો દિવાળી..

છે અમાવશ રાત ,રોશન ઘર-ગલી છે!
તુજ ઘરે છો હો તમસ, ઉજવો દિવાળી.

દિલમાં હો- છો, દુખ ઘણાં, સંતાડ સગળું.
ખોટ્ટે-ખોટું થોડું હસ,ઉજવો દિવાળી.

એક સપનું તૂટતૂં, જાગે નવા સો,
મન કરીને તારૂં વશ ,ઉજવો દિવાળી.

હું ને હું નાં ,આ વમળમાં, તું ફસાયો!
ખુદથી થોડો આઘો ખસ, ઉજવો દિવાળી..

દોડતો કાં આંધળું, ચેતન સદા તું?
છોડ મ્રુગ કેરી તરસ , ઉજવો દિવાળી....

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય અનિવાર્ય છે.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા....

Monday, October 16, 2006

ત્રીજો કિનારો..........

કાં સતત તરતો રહે ત્રીજો કિનારો ?
ક્યાંક તો મળતો રહે ત્રીજો કિનારો.

છે સમયની રેત પર મારી પ્રતીક્ષા ,
રાત-દી' સરતો રહે ત્રીજો કિનારો.

મુજને હું શોધું સતત , ના-મુજને મળતો,
મુજને તો છળતો રહે ત્રીજો કિનારો....

દરિયામાં નાખીને પત્થર ,જોઈ લીધું.
રામ શો, ફળતો રહે ત્રીજો કિનારો.

દોસ્ત તો , કોઈ નથી મારા છતાંયે,
દુનિયાથી, લડતો રહે ત્રીજો કિનારો.

ભવ-ભમળમાં ડૂબવાની હો ઘડી કો',
માર્ગ કો' ધરતો રહે ત્રીજો કિનારો.

જીંદગીમાં આવે જો કડવાશ થોડી,
મધુ બની ભળતો રહે ત્રીજો કિનારો.

જડ બની ચેતન ભલે ફરતો સદાયે!
જડ મહીં ઝરતો રહે ત્રીજો કિનારો..

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા